અમેરિકા, ઈંગ્લેન્ડ પછી નોર્વેમાં પણ દૂતાવાસને તાળા લાગ્યાં છે માત્ર પાકિસ્તાન, ચીન અને યુએઈએ જ તાલિબાન સરકારને માન્યતા આપી છે
Afghanistan,તા,11
અમેરિકામાં તો અફઘાનિસ્તાનનું દૂતાવાસ બંધ જ છે તે પછી ઈંગ્લેન્ડમાં પણ તેના દૂતાવાસ ઉપદૂતાવાસો બંધ થઈ ગયા છે, હવે નોર્વેમાં પણ તેના દૂતાવાસ, ઉપદૂતાવાસોને તાળાં લાગી ગયાં છે. તે દેશોનાં અફઘાનિસ્તાન સ્થિત દૂતાવાસો અને ઉપદૂતાવાસો બંધ છે.
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે જણાવ્યું છે કે તે પહેલાંની પશ્ચિમ સમર્થિત સરકારના રાજદ્વારીઓને સ્વીકારતું નથી, તેના મિશનોને પણ સ્વીકારતું નથી.
મૂળ વાત તે છે કે વાસ્તવમાં પશ્ચિમના કોઈપણ દેશે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપી નથી. ભારતે પણ તેને માન્યતા આપી નથી.
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે તેમના દેશનું નામ ‘ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાન’ તેવું રાખ્યું છે.
ગુરૂવારે નોર્વેનાં દૂતાવાસના પરિસરને વિધિવત્ બંધ કરી નોર્વેના વિદેશ મંત્રાલયને તેની ચાવી સોંપી દેવામાં આવશે.
૨૦૨૧ના ૧૫મી ઓગસ્ટે કાબુલમાં તાલિબાન સરકારની સ્થાપના થઈ તે પછી પૂર્વેની કારઝાઈ સરકારે વિવિધ દેશોમાં સ્થાપેલા દૂતાવાસો અને ઉપદૂતાવાસો (એમ્બીસીઝ અને કોન્સ્યુલેટસ) ઉપર તવાઈ શરૂ થઈ. તેના સ્ટાફને પણ છૂટો કરી દેવામાં આવ્યો.
અત્યારે પરિસ્થિતિ તેવી છે કે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને પાકિસ્તાન, ચીન અને યુ.એ.ઈ (સંયુક્ત આરબ અમીરાત) સિવાય કોઈ દેશે વિધિવત્ માન્યતા આપી જ નથી. તેમાં પાકિસ્તાન સાથે તેને સરહદી વિવાદ ચાલે છે. ૧૮૯૬માં તે સમયનાં બ્રિટિશ ઈંડીયાના ઈજનેર ડુરાંડે રચેલી બંને દેશો વચ્ચેની ડુરાંડ લાઈન જ હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને જુદાં પાડે છે તે તાલિબાનો સ્વીકારતા નથી. બંને દેશો વચ્ચે તેથી તો સામસામા ગોળીબારો થાય છે.