Site icon Shri Nutan Saurashtra

ગોંડલમા ઓનલાઇન ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવાની લાલચમાં યાર્ડનો કમિશન એજન્ટ છેતરાયો

ટેલિગ્રામ મારફત સંપર્ક કરી કટકે-કટકે રૂ. 9.61 લાખ ટ્રાન્સફર કરાવી સાયબર ગઠીયાએ ચુનો ચોપડ્યો

Gondal,, તા.૩૧
ટેક્નોલોજીના સમયમાં હવે ગઠીયાઓ પણ સ્માર્ટ બન્યા હોય તેમ હવે ઓનલાઇન છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. ગઠીયાઓ અલગ અલગ પ્રકારની લોભ લાલચ આપીને આર્થિક છેતરપિંડી આચરી લેતા હોય તેવા બનાવમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટને ઓનલાઇન ટાસ્ક પૂર્ણ કરી દરરોજ પૈસા કમાવવાની લાલચ આપી ગઠીયાએ રૂ. 9.61 લાખની ઉઠાંતરી કરી લીધાની રાવ ઉઠવા પામી છે.
ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં કમિશન એજન્ટ પેઢી ધરાવતા જીગરભાઈ જમનભાઈ ચોથાણી નામના 28 વર્ષીય વેપારી યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અલગ-અલગ આઠ બેંક ધારક અને એક લિંક ધારકનું નામ આપતાં ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં કમીશન એજન્ટથી વેપાર કરે છે. ગઇ તા.05/07/2024 ના સાંજના સમયે  ટેલીગ્રામમાં ફીલ્મ જોતો હતો ત્યારે ટેલીગ્રામમાં  એક અજાણ્યા એકાઉન્ટમાંથી એક લીંક આવેલ અને જેમા જણાવેલ હોય કે, હું આ કંપનીમા કામ કરૂ છુ અને કંપનીમાં તમે દરરોજના 10 થી 15 મીનીટમા રૂ.800 થી 1500 રૂપીયા કમાઇ શકો છો જેથી ટેલીગ્રામ એપમાં કઈ રીતે રૂપીયા કમાઈ શકાય તેમ મેસેજ કરતાં તેઓએ મોકલેલ લીંકને ઓપન કરો અને તેમા તમારૂ એકાઉન્ટ બનાવો.
જેથી વેપારીએ એકાઉન્ટ બનાવેલ હતું. જે બાદ તમારી બેંક ડીટેઇલ તમે બનાવેલ એકાઉન્ટમાં નાખો અને જે  ટાસ્ક મોકલી તે તમે પુરા કરશો એટલે તમારા ખાતામા રીવર્ડ જમા થશે તેમ વિશ્વાસમાં લીધેલ હતો.બાદમાં તે લિંકમાં કસ્ટમ સપોર્ટ હોટલાઈન નામનું  એકાઉન્ટ ખુલેલ અને તે લીંકમા બનાવેલ એકાઉન્ટ આઈ.ડી.માં બેંક ખાતાની માહીતી મોકલેલ જેથી તેમાથી એક બેંક એકાઉન્ટ નંબર આવેલ.જેથી તે બેંક એકાઉન્ટમા રૂ.10 હજાર ગુગલ પે થી ઓનલાઇન પેમેન્ટ કરેલ અને તેમા હોટલ બુકીંગ કરવાનો ટાસ્ક મોકલેલ હોય તે દિવસે 20 ટાસ્ક પુરા કરેલ અને ખાતામા રૂ.890 રીવર્ડ જમા થયેલ હતાં.જે બાદ તબક્કાવાર પૈસાનું રોકાણ કરતા અમુક સમય સુધી રિવર્ડ આપવામાં આવ્યા બાદ અમુક સમય પછી રિવર્ડ આવતું બંધ થઇ ગયું હતું. બાદ તા.08/07/2024 ના ફરી લીંક ઉપર ટાસ્ક આવેલ અને તેને મસેજ કરેલ કે તમે વધુ પૈસા જમા કરશો તો તમને વધુ રીવર્ડ મળશે તેમ જણાવતાં ફરીવાર એકાઉન્ટ નંબર મોકલતાં રૂ.50 હજાર અને રૂ. 1,09,388 તથા રૂ.2,25,488  બેંકે જઇ ચેક દ્રારા જમા કરાવેલ અને ટાસ્ક પુરા કરેલ હોય પણ કોઇ રીવર્ડ મળેલ  ન હતાં.જેથી કસ્ટમર સપોર્ટ હોટલાઈનમાં મેસેજ  કરતા જણાવેલ કે, તમારે તમારા પૈસા તથા રીવર્ડ વીડ્રો કરવા માટે હજુ વધારે પૈસા નાખવા પડશે. જેથી વેપારી યુવાને કટકે કટકે કુલ રૂ. 9,61,038 નાખ્યા બાદ વધુ નાણાં નાખવા પડશે તેમ મેસેજ આવતા વેપારી યુવાનને પોતે છેતરાયાનું ધ્યાને આવ્યું હતું.
Exit mobile version